બીમારીઓ : મનની કે શરીરની ?

આપણે બધા જ એક ન વિચારી શકાય તેવા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. જે ક્યારેય વિચાર્યું ન હોય તેવા રોગનો સામનો કરીને માનવજાત પોતાની પ્રબળ તાકાતનો પરચો આપી રહી છે. દરેક માનવીએ જીવનમાં ક્યારેક તો કોઈ એક બીમારીનો સામનો કર્યો જ હશે પરંતુ હાલમાં આપણે જે બીમારીનો ભોગ બન્યા છીએ તે મનની છે કે શરીરની ? તેવો પ્રશ્ન ચોક્કસ થાય. છેલા એક વર્ષમાં બધા જ લોકો કોરોના અને તેની અસરો વિશે એટલું ભણ્યા છે ક જેમને પૂછો તે બધા કોરોના રોગ માટે પીએચડી કર્યું હોય તેવું લાગે. ખરેખર આ બીમારી થાય છે શરીરમાં પણ તેનો મજબુત નાતો આપણા મન સાથે છે. તમારા શરીરમાં જે અદ્રશ્ય મન છે તે નબળું પડે તો તમારા શરીરની ઈમ્યુંનીટી નબળી પડે અને તો જે વાયરસ શરીરમાં પ્રવેશી ચુક્યા છે તેને તમારા શરીરમાં જ રહેવું ગમવા લાગશે. આપણે અનેક ઉદાહરણો આપણી આસપાસ જોયા જેમાં વયોવૃધ લોકો કોરોના સામેનો જંગ જીતી ગયા અને ઘણા યુવાનો કોરોના સામે હારી ગયા. કોઈપણ બીમારી જયારે શરીર થકી પ્રવેશ કરીને આપણા મનમાં આવી જાય ત્યારે તેનાથી છૂટવું મુશ્કેલ બને છે. “તમને કોરોના નથી પણ અન્યને છે એટલે તમને પણ હશે જ” આવો ભય જયારે તમારા દિલો દિમાગ પર છવાઈ જાય ત્યારે તમારા અજાણતા તમારા શરીરમાંથી તે બીમારીને પ્રવેશ કરવાના સિગ્નલ મળવા લાગે છે. તમારા મનને આ સમયમાં મજબુત અને હકારાત્મક રાખવું કપરું છે પણ હા! અશક્ય નથી. આ સમયમાં તમારી શરીરને સ્વસ્થ રાખવાની જાગરૂકતાની સાથે મનને મજબુત રાખવાની સજાગતા પણ એટલી જ જરૂરી છે. બીમારી જયારે પ્રવેશે ત્યારે જરૂરી ઉપચાર કરો તકેદારી રાખો પણ ભયભીત થઇને તમારા મનમાં પ્રવેશ ન આપો. કોરોનાનો ફેલાવો અટકાવવા માટે સૌથી પહેલા કોરોનાનો ભય અન્ય લોકોના મનમાં પ્રવેશે નહી તેની પણ તકેદારી રાખી શકાય. જો તમે તમારા શરીરમાં પ્રવેશેલા રોગને યોગ્ય મેડીસીન થકી જાકારો આપો છો તો તે તમારા મન પર કબજો નહી જમાવે અને અન્ય લોકોને પણ તેનો ભય નહી લાગે. ભય સૌથી પહેલા આપણા મનમાં અને પછી આપણા વિચારોમાં અને પછી આપણા એકશનમાં જોવા મળતો હોય છે માટે કોઇપણ બીમારીને મોટી ન થવા દેવી હોય તો તેને મનમાં એન્ટ્રી આપો નહી. તમે જ વિચારો કે તમારા પરિવારના સભ્યોએ બીમારીને તેમના મન સુધી તો પહોચાડી નથી ને ? જો “હા” તો પ્રેમ અને હૂફ થી તેમને સંભાળી લેજો, તેમના ભયને દુર કરવાનો પ્રયત્ન કરજો અને આ સમયમાં તમારો સહયોગ તેમને કોરોના કે બીજી કોઇપણ બીમારીમાંથી છૂટી જવાની હિમ્મત પૂરી પાડશે. તમારા બાળકો તમારી આ જ હિમ્મતથી શીખશે કે આપણે કોઇપણ બીમારીને હરાવી શકીએ તેટલા સક્ષમ છીએ જેથી તેમના વિચારો પણ હકારાત્મક બનશે. આજે અનેક નવી બીમારીઓ આપણી સામે આવી રહી છે જેમાં મનની બીમારી વધુ હોય છે. આપણું મન આપણે જોઈ નથી શકતા પણ અનુભવી શકીએ છીએ. બીજાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉતાવળ દરેકને હોય છે અને પોતાના મનમાં શું ચાલી રહ્યું છે તેની જાણ હોતી નથી. “મન હોય તો માળવે જવાય “ એવી એક કહેવત છે અને જેનું મન નબળું પડે તેનું શરીર આપોઆપ નબળું પડી જતું હોય છે.માટે બીમારી કે તેના વિચારોને તમારા મન પર હાવી થવા દેશો નહી.