તમે શું કરો છો ........સાહસ કે મુર્ખામી ?

જેવી રીતે અત્યારે શિયાળાની ઋતુ છે એવી જ રીતે હાલમાં ભારતમાં સ્ટાર્ટ અપ અને તેના ફન્ડિંગ લેવાની ઋતુ ચાલી રહી છે. આપણા દેશના ઇતિહાસમાં પહેલીવાર બીઝનેસ અને સ્ટાર્ટ અપ નો સોનાનો સમય ચાલી રહ્યો છે. અનેક લોકો પોતાનો બીઝનેસ કરવા માંગે છે તો સામે અનેક લોકો પોતાના પૈસાનું રોકાણ કરવા પણ માંગે છે જેથી અનેક નવા બિઝનેસના આઈડિયાને વ્યવસાયનું સ્વરૂપ મળી રહ્યું છે કારણકે યુવાનોને વ્યવસાય કરવા માટેનું ફંડ અને માર્ગદર્શન મળી રહ્યા છે. આ માહોલમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને સતત વિચાર આવતો હશે કે શું હું પણ બીઝનેસ કરું? આમ પણ નોકરી કરવાવાળાને લાંબા ગાળે એવું જ લાગતું હોય છે કે “આ કોઈની ગુલામી કરવી અથવા બીજાને કમાણી કરીને આપવી તેના કરતા મારે મારો જ બીઝનેસ કરવો જોઈએ?” જો તમને પણ આવા વિચાર આવતા હોય તો તમારે સૌથી પહેલા તમારી જાતને ખુબ જ મજબુતીથી એક સવાલ પૂછવો પડશે કે “હું બીઝનેસ કરવા માગું છે એ વાત મારી સાહસની છે કે મુર્ખામી સાબિત થઇ શકે છે?” જી હા મિત્રો બીઝનેસ કરવો, સ્ટાર્ટ અપ શરુ કરવું, બધા કરે છે એટલે કરવું, તમારી પાસે એક શ્રેષ્ઠ વિચાર છે એટલે કરવું, તમે અલગ જ વસ્તુનું નિર્માણ કરી શકો છે એટલે કરવું, આ બધામાંથી કારણ કોઇપણ હોય પરંતુ નોકરી છોડીને બીઝનેસ કરવા માટે સૌથી પહેલા તો આયોજનની વધુ જરૂર હોય છે. તમે માત્ર અન્યનું જોઇને કે બધે થી સહયોગ મળી રહ્યો છે એટલે વ્યવસાય કરશો તો સફળ થવાની શક્યતાઓ ખુબ ઘટી જાય છે. તમારું તમારી માટેનું અને તમારા બીઝનેસ માટેનું આયોજન કેવું છે તે સૌથી મહત્વની વાત છે. ઘણીવાર આપણે બીજાના દોરવાયા અથવા સમાજમાં સારું લગાડવા માટે નિર્ણય લેતા હોઈએ છીએ પણ તેનાથી બાવાના બન્ને બગડે તેવી શક્યતા વધુ હોય છે. જોબ છોડતા પહેલા અને બીઝનેસ શરુ કરતા પહેલા તમારા જરૂરી ખર્ચને પહોચી વળવાનું પૈસાનું આયોજન કરવું જોઈએ. કોઇપણ બિઝનેસમાં શરૂઆતના છ મહિના ફંડને ઉભું કરતા ખુબ તકલીફ પડે છે. કોઈ તમને લોન આપે કે તમારા વ્યવસાયમાં ઇન્વેસ્ટ કરે તો પણ પૈસા કમાઈ આપવાની જવાબદારી તમારી હોય છે અને બિઝનેસમાં શરૂઆત બધા માટે કપરી અને અનિશ્ચિત હોય છે. તમે અને તમારો પરિવાર છ મહિના માટે કોઇપણ આવક ન થાય તો પણ સરળતાથી જીવનનિર્વાહ ચાલવી શકો એ સૌથી પહેલા ધ્યાનમાં રાખો અને જો આટલી સામાન્ય બાબત નું આયોજન નથી કરી શકતા તો તમે નોકરી છોડો છો એ મુર્ખામી જ ગણાશે. આગળ વધવું, પોતાના કામના માલિક બનવું, આ બધી જ વાત સાંભળવામાં અને વિચારવામાં ખુબ સારી છે પરંતુ તેના પરિણામ કેવા મળે તેના વિશે વિચારી આગોતરું આયોજન અનિવાર્ય છે જેથી તમારી સાથે તમારો પરિવાર પરેશાન ન થાય. કોઈએ ખુબ સરસ કહ્યું છે કે” દોડતા હતા ત્યારે લાગતું’તું એવું કે અમારા જેવું સમર્થ કોઈ નથી, પણ થોડા ઉભા રહ્યા અને પાછુ વળી જોયું ત્યારે સમજાયું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી” જીવનમાં એક નિર્ણય તમારી વર્ષોની બધી જ મેહનત પર પાણી ફેરવી શકે છે જો તમે સજાગ નથી તો, માટે સાહસને જો સાહસ જ સાબિત કરવું હોય તો નોકરી છોડતા પહેલા વિચારો અને યોગ્ય તકેદારી રાખો.