ભૂલો સુધારવામાં મોડું એટલે નુકસાનમાં વધારો

ઓહહો, હાશ ....બધા જ બીઝનેસ પુરપાટ દોડવા લાગ્યા! બધાને પુરતું કામ મળવા લાગ્યું, ભાવવધારો નડી રહ્યો છે પણ જો કામ મળતું હોય તો લોકો એડજસ્ટ કરીને પણ કામ તો કરી જ રહ્યા છે. દોઢ બે વર્ષથી જાણે દરેક બિઝનેસની ગતિ ધીમી પડી હતી એ ફરીથી તેની ખરી સ્પીડમાં આવી અને સાથે તહેવારોની મોજ એટલે આપણી માનસિકતા મુજબ જેમની જેટલી પહોચ હોય તેવી ઉજવણી તો કરવાની જ અને એટલે નવરાત્રી અને દિવાળીમાં થોડી રોનક વધુ જોવા મળશે. ફીકા પડેલા રસ્તા, માર્કેટ અને ભીડમાં હવે થોડી રોનક જોવા મળશે. હવે જો તમે બદલાયેલી સ્થિતિઓ વચ્ચે કામ કરતા કરતા ભૂલો કરતા હો અથવા તમારી ટીમ કોઈ ભૂલ કરતી હોય તો આ જ સમય છે કે કામની પદ્ધતિમાં થતી ભૂલોને ઓળખો, સુધારો અને પછી આગળ વધો. આજે નાની દેખાતી ભૂલ કાલે મોટી થઇ શકે છે અને આજે ન સુધારેલી ભૂલો કાલે મોટું નુકસાન ચોક્કસ કરાવશે તે વાત યાદ રાખો. બદલાયેલી જરૂરિયાત અને ટેકનોલોજીએ બિઝનેસને સરળ કર્યા છે પણ જો તમારાથી થતી ભૂલો સુધારશો નહી તો એ જ ભૂલો આગળ જતા ચોક્કસ મોટી થતી જશે જેના લીધે બીજી ભૂલો તો થશે જ પણ જેમને ભૂલો નથી કરી તેમને પણ નુકસાન જશે. તમે પાંચ છો કે પચાસ કે પાંચસો , કોઈ એક વ્યક્તિની ભૂલની અસર બધાના કામ પર થતી હોય છે. ઘણીવાર આપણે એવું વિચારીએ કે જે આજે થયું છે તેનું ધ્યાન રાખવાથી આવતી કાલે નહી થાય પરંતુ એવું નથી જે આજે થયું છે તે ભૂલને રોકવા માટે અમુક સુધારા પદ્ધતિમાં અને કાર્યશૈલીમાં નહી કરો તો તે ફરીથી થશે અને કદાચ ત્યારે તમે તેને સુધરી શકો નહી એટલી મોટી ભૂલ હોય! કામની ભૂલો કે વ્યક્તિના ભૂલી જવાથી થતી ભૂલો, એમ ગમે તે પ્રકારની ભૂલો હમેશા ધ્યાનમાં આવવી જોઈએ અને તેના પર સુધારવા માટે, રોકવા માટે કે ફરીથી નથાય તે માટે પગલા લેવા જોઈએ. જો તમારી ટીમ એટલે કે કોઈ પણ કામ કરતી વ્યક્તિ ભૂલ કરે ત્યારે તેને ખીજવાના બદલે રસ્તો આપું જેથી તે ભૂલ ફરીથી ન થાય. ધ્રોકે તે વ્યક્તિ સમજવા કે શીખવા તૈયાર નથી તો તેને ભૂલનું પરિણામ ભોગવવા માટે જન કરો જેથી અન્ય લોકોને પણ ખ્યાલ આવે કે કામ કરતી વખતે તકેદારી કેટલી જરૂરી છે. આજે મોબાઈલનો ઉપયોગ વધ્યો છે એટલે માનવીનું મન એક જગ્યાએ એક કામ પર સ્થિર રહી શકતું નથી જેથી કામમાં ભૂલો વધવાની શક્યતાઓ વધી ગઈ છે. ભૂલ એક વ્યક્તિની હોય શકે પરંતુ તેનું પરિણામ સંસ્થા એટલે કે તમારા બિઝનેસને ભોગવવું પડતું હોય છે. ઘણીવાર વ્યક્તિ ભૂલ વિષે જાણતો હોવા છતાં આળસમાં તેના ઉપાયને અમલમાં મુકતો નથી અથવા તેના ઉપર કોઈ એક્શન લેતો નથી જેથી મોડું થાય છે અને પછી તેનું નુકસાન ભોગવે છે. તમે કોઈ બીલ મોડું ભરો છો કારણકે તેની છેલ્લી તારીખે પેમેન્ટ કરવાનું ભૂલી ગયા હવે તમે તે પેમેન્ટ અત્યારે નથી આપતા જેથી જેટલા દિવસ મોડું કરો છો તેની પેનલ્ટી પણ ચૂકવો છો હવે બીલમાં તો પેનલ્ટીના પૈસાથી ખબર પડે કે કેટલા ખોટા ચૂકવ્યા? પણ અમુક કામ એવા છે જેને પૈસામાં ગણતરી કરી શકતા નથી અને આ સમયે તમને નુકસાન કેટલું મોટું છે તેનો પણ ખ્યાલ આવતો નથી. માટે ભૂલો ઓળખો, સુધારો અને ફરીથી ન થાય તેની પદ્ધતિ વિકસાવો.